ફેશનેબલ સંસ્કાર

“મમ્મી, મેં તને કહ્યું ને કે, તું ગમે તે કરે હું કોઇને પણ મળવાની નથી…..! અને આ મારો આખરી નિર્ણય છે…” મિતાક્ષી પગ પછાડતા પોતાના રૂમમાં જતી રહી. મિતાક્ષીને આમ વિફરેલી જોતા ગઢપણના ઉંબરામાં પગ મુકી રહેલા અંજુ બહેનના કપાળ પર ચિંતાની રેખાઓ તણાઇ અને ગુસ્સાના કારણે તેમના પાતળા નેણ ફણસની જેમ ખેંચાયા. થોડી પળો બાદ ફરી ચહેરો શિથીલ થયો અને ચહેરા પર મુંઝવણ તરી આવી અને પાછો કંઇ દ્રઢ્ઢ નિર્ણય કર્યો હોય તેમ મિતાક્ષીના રૂમ તરફ પગ ઉપાડવા ગયા અને પાછા જાણે બંધું જ હારી ગયાં હોય તેમ ત્યાં નજીક સોફા પર પડતું મુક્યું.

સવારની આ ઘમાલ જોઇ રહેલા મંજુબાને લાગ્યું કે હવે તેમને આ ત્રણ દિવસથી ચાલતા ઝઘડામાં માથું મારવું જ પડશે..!! મંજુબા નવ દાયકા વટાવી ચુક્યા હતાં પણ હજી ખડેઘડે હતાં. રોજ સવારે તે બે કિલોમીટર તો આરામથી ચાલી લેતા. કાન અને નાક હજી દુરસ્ત હતાં. તેમના શરીરની ચરબી થોડી જામેલી જેના કારણે તેમને ઉઠવા-બેસવામાં ક્યારેક ક્યારેક તકલીફ થતી. જ્યારે તેમની એકની એક દિકરી અંજુનું યૌવન હજી ઓશર્યુ ન હતું પણ તેના માથાના સહેદ વાળ તેની ઉંમરની ચાડી ખાતા હતાં. જ્યારે આ મા-દિકરીથી વિપરીત મિતાક્ષી અપસરાને પણ શરમાવે તેટલી દેખાવડી હતી અને રોજ જીમમાં કસરત કરવાની આદતને કારણે તેનું શરીર કસાયેલું અને ઘાટીલું બન્યું હતું.

આ ત્રણેય પેઢીના વિચારો એકબીજાથી બિલકુલ અલગ હતાં. મંજુબાએ ભારતની આઝાદીથી માંડી આ કોમ્યુટર યુગ સુધીની સફર જોઇ પણ હતી અને માણી પણ હતી. તેમના જમાનામાં મોઢાં જોયા વગર લગ્ન કરી લેતા, જ્યારે આજે મિતાક્ષી બે વર્ષ લીવ-ઇન-રિલેશનશીપમાં રહીને આવી અને કોઇ નાનકડા ઝઘડાને કારણે તે પોતાના માનેલા પતીને તરછોડીને એમજ આવી ગઈ..!! અને હવે તેને આ લગ્ન અને સંબંધોના નામથી ચીડ ચુકી છે, અંજું બહેન માટે પોતાની દિકરીનું ઘર બંધાય એટલે પોતે ગંગા નહાયા..!! પણ પોતાની આ માથા ફરેલી એમબીએ દિકરીને હવે લગ્ન જ નથી કરવા, તેણે તો પોતાના ભાઇ સાથે પોતાના પપ્પાની ઓફિસે જવાનું પણ ચાલું કરી દિધું હતું.

“બેટા, કેમ લોહી ઉકાળા કરે છે..? છોડને એને એની જીંદગી એની રિતે જીવવા દે ને..!” મંજુબા એ અજું બહેનની સામે જગ્યા લેતા બોલ્યા. અંજું બહેન હવે સાવ ભાંગી પડ્યા હતાં અને ચોધાર આંસું એ રડી પડ્યા. મંજુંબા ટેકો લેતા ઉભા થયા અને અંજુ બહેનની બાંજુમાં બેસી સાંત્વના આપવા લાગ્યા.

“બસ..!! બેટા હવે..!! ચુપ..!! સાવ ચુપ…!!” મંજુબાએ અંજુબહેનનું માથું પોતાની છાતીમાં દાબતા આશ્વાસન આપવા લાગ્યા.

“હું આ બાપ-દિકરીથી કંટાળી ગઈ છું..!! બા..” અંજુંબહેન સ્વસ્થ થતા પોતાની હૈયાવરાળ કાઢવા લાગ્યા. “જે દિવસે આ મિતું, ઘર છોડી પેલા જોડે રેવા જતી તી, તે દિવસે મે તેને કેટલી સમજાવી, મનાવી પણ ના માની અને તેના પપ્પાએ તેને એક શબ્દ પણ ઠપકાનો ના કહ્યો.અને વિવેક ત્યારે અહી હતો નહી, નહિતર જરૂર તેની બહેનને રોકી લેત..!!” અંજુ બહેનના ચહેરા પર ના સમજાય તેવા ભાવો આકાર લેતા હતાં અને શમતા હતાં.

“બેટા, બસ હવે એ પાછી આવી ગઈ છે ને..?? હેંમતકુમારની ઓફિસે પણ જવા લાગીને..!! થોડો સમય આપ બધું બરાબર થઈ જશે..!!” મંજુબા ફરી અંજુ બહેનને સમજાવવા લાગ્યાં.

“બા..!! તમે પણ એમના જેવા થઈ ગયા છો..!! મિતાક્ષી ત્રીસની થઈ બે વરસ તે બહાર પેલા છેલબટાવ સાથે રહીને આવી છે..!! સગાં-વહાલામાં હું કેવી હાંસીને પાત્ર બનું છું, તેનો તમને અંદાજો પણ નથી બા..!” અંજું બહેન પોતાના આંસું લુંછતા અકળાઇને બોલ્યા. મંજુંબાએ કોઇ ઉત્તર ના વાળ્યો.

“હું જ્યારે મિતાક્ષીની વાત છેડું કે તરત જ તેના પપ્પા કહે કે હવે એ નાની નથી રહી કે આપણે તેને ટોકતા રહીએ, તેની જીંદગી છે, તેને જાતે નિર્ણયો લેવા દે અને જરૂર પડશે ત્યારે એ આપણી મદદ માંગશે..!! આવું બોલીને મને એ ચુંપ કરાવી દે છે.” અંજુના અવાજમાં ગુસ્સો વરતાઇ આવતો હતો.

“જો, બેટા સમય હવે બદલાયો છે, અને પહેલા જેવું નથી રહ્યું..!! મિતા તેના પગભર છે અને હવે એ જમાનો જ ક્યાં રહ્યો છે કે સ્ત્રીને કોઇ પુરુષનો હાથ ઝાલવો પડે.? અથવા એકલા જીવન જીવવા માટે કષ્ટ વેઠવું પડે..!! એ આ જમાનાની છોકરી છે, એ તારી વાત નહી સમજે, એ તું બરાબર જાણે છે, તો શા માટે લોહી ઉકાળા કરે છે..??” મંજુંબા થોડા સમજવટના, તો થોડા ઠપકાના સુરમાં બોલ્યાં.

“બસ, બા..! તમને આ વાત જરા પણ શોભતી નથી..!! ભુલી ગયા..? તમે જે મારા જીવનમાં રમતો રમી હતી, તે કાંઇ ઓછી નહોતી..!!” કહેતા અંજું બહેનન છણકો કરતા ઉભાં થયા અને દિવાનખંડ વટાવી મુખ્ય દરવાજા સુધી પહોચ્યાં, ત્યાં તેમની બાળપણની બહેનપણી અનુરાધા સામે અથડાઇ.

“લે, અંજુ તું ક્યારે આવી..?” અનુરાધાએ ચોંકતા કહ્યુ, અંજુબહેન તેને કશો જ જવાબ આપ્યા વગર ઉંધું માથું નાખી ચોગાનમાં કાર ઉભી હતી, તેમાં બેસી ગયા, બીજી જ મિનિટે કાર ગતી પકડી અને ક્ષીતીજમાં વિલિન થઈ ગઈ. અનુરાધા થોડીવાર અવઢવમાં દરવાજા પર જ ઉભી રહી અને પછી અંદર પ્રવેશી. મંજુંબા વિચારોમાં ક્યાય ખોવાઇ ગયા હતાં. ઘરનું વિચિત્ર વાતાવરણ જોતા અનુરાધા થોડી મુંઝાઇ.

 

“જયશ્રી કિષ્ના, મંજુબાં..!!” અનુરાધાએ થોડીવાર બાદ હાથ જોડતા કહ્યું.

“અરે, બેટા અનું…!! આવ, આવ, બેસને..!! ઘણા દિવસે દેખાઇ..!!” મહેમાનને જોતા જ મંજુબાના હાવભાવ ફરી ગયાં. મંજુબાના ચહેરા પર એક મોટા સ્મિતેજગ્યા લઈ લીધી. અનુરાધાને પોતે ખોટા સમયે આવી હોય તેવું ભાન થતા, સંકોચ સાથે મંજુબાની સામે જગ્યા લીધી. થોડીવાર શાંતી છવાયેલી રહી.

 

“શું થયું મંજુંબા, અંજુ કેમ આટલા ગુસ્સામાં હતી..!!” અનુંરાધાએ શાંતીભંગ કરતા અંતે પુછ્યું.

“કંઇ નહી, બસ આજે અમારી મા-દિકરી સામે ભુતકાળ આવીને ઉભો રહી ગયો છે..!!” મંજુંબાએ નિસાસો નાખતા કહ્યું.

“કેમ શું થયું બા..? પુરી વાત કરો ને..!!” અનુરાધા અકળાતા બોલી.

“એ મિતાક્ષીના લગ્નની જીદ લઈને બેઠી છે, અને મિતાક્ષીની આ સંબંધોની માયાજાળ પડવાની ઇચ્છા જ મરી પરીવારી છે..!! કાલે એક છોકરો તેને મળવા આવવાનો  છે, પણ આ મિતુડી ત્રણ દિવસથી અહીં જ પડી રહી છે કે તેની મમ્મી સાથે લમણાજીક ના કરવી પડે, પણ પેલી પણ એટલી જ જક્કિ છે, રોજ આવીને મનાવે અને ગુસ્સે થઈ જતી રહે..!!” મજુંબાએ પોતાનું મન હળવું કરતા કહ્યું. થોડીવાર કોઇ કશુંના બોલ્યું અને અનુરાધા થોડું હસાઇ જવાયું. મંજુંબા ભવા તાણતા તેની સામે જોઇ રહ્યાં.

“શું થયું..? કેમ હસે છે..??” મંજુંબાએ પુછી જ લીધું.

“તમે, અંજું વખતે કેવી ચતુરાઇ વાપરી હતી..!! યાદ છે ને..!! ફરી વખત એ ખેલ નાખો..!! તો મિતાક્ષીનું પણ ગોઠવાઇ જશે..!” અનુરાધાના ચહેરા પર આછું સ્મિત આવી ગયું. “યાદ છે ને..? કેવી ટોમબોયની જેમ રખડતી હોતી..! અને હવે જો, અત્યારે આ મિતાક્ષીને લગ્નની સલાહો આપતી થઈ ગઈ..!!” અનુરાધાની આંખોમાં ભુતકાળ જીવતો થઈ ગયો .

“શું મમ્મી પહેલા ટોમબોયની જેમ રખડતી…?” ક્યારની પાછળ સંતાઇને ઉભેલી મિતાક્ષી વાતમાં રસ લેતી ટપકી પડી. તેણે મંજુબાના બાજુંમાં જગ્યા લીધી અને તેમના ખોળામાં માથા મુકી દિધું.

“કેમ તારી મમ્મીને આટલી પજવે છે..? એક વાર મળી લે ને નવા લબરમુછીયાને અને ના ગમે તો, ના પાડી દે જે પણ મારી દિકરીને તો શાંતી થશે..!” મંજુબાએ પોતાનો પ્રેમાળ હાથ મિતાક્ષીના ચહેરા પર ફેરવતા કહ્યું.

“એ બધી પછી વાત કરીએ, પહેલા કહો તમે કહો કે આ મમ્મીના ભુતકાળની શું કહાણી છે..? શું મમ્મીને છેતર્યા હતાં..? અને આ સિધી-સાદી દેખાતી મારી મમ્મી એના જમાનામાં ટોમબોય હતી..??” મિતાક્ષી તેની મમ્મી સાથે થયેલો ઝઘડો ભુલી, તેના મમ્મીનો ભુતકાળ જાણાવા આતુર હતી .

“તારી મમ્મી, તારા કરતા પણ બે ડગલા આગળ હતી, એ 1970ની સાલમાં એ રાજદુત ચલાવતી અને છોકરા જેવા વાળ રાખતી..!!” અનુરાધાએ મિતાક્ષીની જીજ્ઞાશા સંતોષવા વાત આગળ વધારી.

“તો મમ્મી સાવ આવી કેમ થઈ ગઈ છે..? સાવ છોકરી જેવું વર્તન કરે છે..!! નહી નાની..?”મિતાક્ષી મંજુબા સામે જોતા બોલી.

“એ સ્ત્રી છે, તો તેના જેવું જ વર્તેને..?” નાનીએ ટાપચી પુરી અને બધાં હસવા લાગ્યાં.

“અનુમાસી, મને કહોને કે મમ્મીમાં, આટલું બધું પરિવર્તન કેવી રિતે આવ્યું..??” મિતાક્ષીએ ફરી વાતનો દોર પકડ્યો.

“તારા પપ્પાના પ્રેમના કારણે, ભગવાને બહું જ સમજદારીથી સ્ત્રી-પુરુષને બનાવ્યા છે, બન્ને એકબીજાના પુરક છે..! જે તારી મમ્મી એની જુવાનીમાં નહોતી સમજતી અને હવે તું નથી સમજતી..!” અનુરાધા મીઠો ઠપકો આપતા બોલી.

“હવે મને આખી વાત કરવી છે કે નહી..??” મિતાક્ષીએ કંટાળતા કહ્યું.

“હું આખી વાત કરીશ, પણ પ્રોમીસ આપ કે કાલે તું એ છોકરાને મળવા જઈશ..!!” મંજુબા તક ઝડપતા બોલ્યા. મિતાક્ષીએ મોઢું મચકોડતા અંતે હા પાડી અને તેના મમ્મીનો ભુતકાળ સાંભળવા ટટ્ટાર થઈ.

“અમારે સંતાનમાં બે દિકરીઓ જ હતી, એક તારી મમ્મી અને બીજા તારા ઉમામાસી એટલે તારા નાનાને મન તો આ મોટી અંજુ એ જ જાણે કે દિકરો…!! અમે તેને એક દિકરાની જેમ જ ઉછેરી હતી, ત્યારે તો આડોસી-પાડોસી પણ અમને ખુબ ઠપકો આપતા કે દિકરીને આટલી બધી છુટ ના અપાય પણ અમારે મન તો અંજુની ખુશી એ અમારી..!! એ ઘણી વખત તારા નાનાનું રાજદુત લઈને તેના મિત્રો સાથે ફરવા નીકળી પડતી..!! તેના પુરુષમીત્રો પણ બહું બધા હતાં. હું ને તારા નાના તેના પર આંખો બંધ કરી વિશ્વાસ કરતા અને તેણે કદી અમારો વિશ્વાસ તોડેલો પણ નહી, પણ સમસ્યા પછી ઉભી થઈ..!!” મજુંબા અટક્યા. મિતાક્ષી અને અનુરાધા વાત અટકતા થોડા અસહજ થઈ ગયાં. મંજુબાને ગળુ સુકાયું હોવાના કારણે ગળામાં સોસ પડતો હતો, જે મિતાક્ષીને ખ્યાલ આવતા દોડતી જઈ રસોડામાંથી પાણીનો જગ અને ગ્લાસ લઈ આવી, એક ગ્લાસ તેણે અનુરાધાને પણ આપ્યો.

“કંઇ સમસ્યા ઉભી કરી હતી મારી મમ્મીએ..??”  મિતાક્ષીએ મંજુબાએ ગ્લાસ પુરો કર્યો કે તરત જ બોલી.

“તેને લગ્ન નહોતા કરવા..!!” મંજુંબાએ હાસ્ય સાથે કહ્યું. મિતાક્ષીની આંખો પહોળી થઈ ગઈ.

“અમે બંન્ને તેને ખુબ સમજાવતા પણ તે એકની બે ના થઈ, તારા કરતા પણ વધું જીદ્દી હતી, ઉમા પણ લગ્નની ઉંમરે પહોચી ગઈ હતી, હવે જ્યાં સુધી મોટી દિકરીના લગ્ન બાકી હોય ત્યાં સુધી નાનીના લગ્ન કેવી રિતે કરવા એ પ્રશ્ન તો હતો જ, ત્યાં તારી ઉમામાસી અનુજકુમારને અમારા સામે ખડા કરી દિધા અને હળવેથી બોલી પણ ગઈ કે મારે આમની સામે લગ્ન કરવા છે..!” મિતાક્ષીને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો કે તેની માસીએ એ જમાનામાં પ્રેમ લગ્ન કર્યા હતાં.

“વાતને લંબાવો નહી, મને સિધું કહો કે તમે આ બંન્ને બહેનોના લગ્ન કેવી રિતે પાર પાડ્યા..??” મિતાક્ષીને લાંબી વાર્તા કરતા સાર સાંભળવામાં રસ હતો.

“ઉમાએ અમારું કામ સાવ સરળ કરી દિધું, મેં અનુજકુમારને સ્પષ્ટ કહ્યું કે અમને તમારી સામે કોઇ વાંધો નથી પણ જ્યાં સુધી મોટી દિકરી બાકી છે, ત્યાં સુધી નાનીના લગ્ન અમે ના કરી શકીએ, હવે તમારે ભાગીને લગ્ન કરવા હોય તો અમે નહી રોકીએ..!! પણ વિધિવત કરવા હોય તો અંજુના લગ્ન થાય ત્યાં સુધી રાહ જોવી પડશે..! મારો આ નિર્ણય સાંભળતા બંન્ને મુંઝાયા, એ સમયે અંજુ બે મહિના માટે દિલ્લિ કોઇ ટ્રેકિંગ કેમ્પમાં ગઈ હતી એટલે તેને આમાંથી કોઇ વાતની તેને જાણ ન હતી. ત્રણ ચાર દિવસ બાદ અનુજકુમાર ઘરે આવ્યા અને તેમના મોટાભાઇ હેંમતકુમાર માટે અંજુનો હાથ માંગી લીધો. અનુજકુમારે સામેથી કહ્યું કે તેમણે મોટાભાઇને જ્યારે અંજુ વિષે બધી જ વાત કરી કે તે તરત તેમને ગમી ગયા, તેમને આવી જ કોઇ છોકરી સાથે લગ્ન કરવા હતાં..!! હવે તો બધું તૈયાર હતું, અમે તેમના મમ્મી-પપ્પાને મળ્યા, ઘર, કારોબાર, માણસો બધું બરાબર હતું પણ અંજુને હેંમતકુમારને મળવા કેવી રિતે મનાવવી, એ જ પ્રશ્ન હતો..!! અને મે યુક્તિ બનાવી કાઢી..!!” મંજુબા ગર્વ લેતા હોય તેમ બોલ્યા.

“તમે શું કર્યુ..?” મિતાક્ષી ઉત્સુકતા સાથે પુછી બેઠી.

“તારા નાનીએ બહું મોટો પ્રપંચ રચ્યો. અંજુ જ્યારે દિલ્લિથી ઘરે આવી તો જોયું કે ઉમા વિલચેર પર હતી.” અનુરાધાએ વાતનો દોર સંભાળ્યો, મંજુબાને વાત કરવામાં હવે થોડી તકલીફ પડી રહી હતી.

“અંજુતો ઉમાને ગાંડો પ્રેમ કરતી અને તેને આમ વિલચેર પર જોતાતો જાણે તેનું મગજ ફાટી ગયું, આખા ઘરમાં રાડા-રાડી કરી નાખી, કે તેને ઉમાના એક્સિડેંન્ટની જાણ કેમ કરવામાં ના આવી, એક દિવસ બાદ એ માંડ શાંત થઈ. પછી મંજુબાએ એક્સિડેંટની હકિકત કહી કે તે ભાગીને લગ્ન કરવા જઈ રહી હતી, પણ બારીની બહારથી કુદતા તેનો પગ લપસ્યો અને અકસ્માત સર્જાયો..!” અનુરાધા વાત કરી રહી હતી અને મંજુબા ભુતકાળમાં સરી પડ્યાં. હજી તેમના કાનમાં અંજુના તીખા શબ્દો સંભળાઇ રહ્યા હતાં.

“પણ, ઉમાને ભાગવાની નોબત જ કેમ આવી..? એવું તે છોકરામાં તમને શું ના ગમ્યું કે તમે તેને લગ્નની પરવાનગી ના આપી..?” અંજું બરાડા પાડી વાત કરી રહી હતી.

“અમે સંમતી આપી હતી, પણ મેં તેને એમ સમજાવ્યું કે દીદીના લગ્ન ના થાય, ત્યાં સુધી અમે તારા લગ્ન ના કરાવી શકીએ અને સામે વાળા પક્ષે પણ આ જ સમસ્યા છે કે અનુજના મોટાભાઇના લગ્ન ના થાય ત્યાં સુધી, તે અનુજના લગ્ન નહોતા કરવાના, એમાં આ બંન્નેને લાગ્યું કે તમારા બંન્નેની જીદ્દ્ને કારણે તે બાકી રહી જશે, એટલે તેમણે ભાગવાનો નિર્ણય કર્યો અને આ દુર્ધટના સર્જાઇ..! ત્રણ મહિના વ્હિલ-ચેર પર જ રહેવું પડશે..!!” મંજુબા વ્યથીત થતા બોલ્યા.

“કેવા લોકો છો,તમે લોકો..? શું ફરક પડે, જો તમે ઉમાના લગ્ન કરાવી આપો તો..? મારા લગ્નની ખોટી જીદ લઈને બેઠા છો..!” અંજુ ત્રાડુકી પણ મંજુબા કશો જ જવાબ આપે એ પહેલા અનુજ ઘરમા પ્રવેશી ચુક્યો હતો.

“માફ કરજો, તમારી વાતમાં હું ખલેલ પહોચાડું છું, પણ મારે અત્યારે આવવું જરુરી હતું.” અનુજ દિવાનખંડમાં આવતા જ બોલ્યો. દિવાનખંડમાં ચુપચાપ બેઠેલા રમણલાલ આવનાર મહેમાનનું સ્વાગત કરવા ઉભા થયા અને બેસાડ્યાં, બધાંનું ધ્યાન તેમના તરફ હતું, ઉમા નીચે મોં કરીને બેઠી હતી.

“અમે લોકો ત્રણ દિવસ બાદ, ભાઇ સાથે ન્યુયોર્ક રહેવા જઈ રહ્યા છીએ, હંમેશા માટે..!!” અનુજ પરાણે બોલી શક્યો.

“અને ઉમાનું શું થશે..?” અંજું આંખો કાઢતા બોલી.

“મારા મમ્મી-પપ્પાને હજી ઉમાને સ્વિકારવામાં કોઇ વાંધો નથી, પણ ભાઇના લગ્ન પહેલા મારા લગ્ન કરવા રાજી નથી, અને હું ફરીથી આવું કોઇ પગલું ના ભરું, એટલે અમે બધા યુએસએ શિફ્ટ થઈ રહ્યા છીએ..! ભાઇ તો ત્યાં વર્ષોથી રહે જ છે..!!” અનુજને બોલવામાં ઘણી તકલીફ પડી રહી હતી.

“કેવા લોકો છો તમે બધા, હવે કોઇને લગ્ન નથી કરવા તો નથી કરવા, શા માટે તેમની પાછળ બધાની જીંદગી બરબાદ કરવા બેઠા છો..?” અંજુ  માથું પકડીને સોફા પર બેસી ગઈ.

“એમને તો લગ્ન કરવા છે, બસ તેમને પંસંદની છોકરી નથી મળતી..!” અનુજ ધીમે ધીમે વાતનો દોર પકડી રહ્યો હતો.

“એવી તો તેમને કેવા રૂપ-રૂપના અંબાર જેવી સ્ત્રી જોઇએ છે..??” અંજુંથી પુછાઇ ગયું.

“તમારા જેવી, એટલે કે ટોમબોય ટાઇપની..!” અનુજ માંડ બોલી શક્યો. હવે બધા અંજુ તરફ જોઇ રહ્યા હતાં. જ્યારે અંજુંની જીભ આ સાંભળતા મોઢામાં જ રહી ગઈ. તે કોઇ સાથે નજર ના મિલાવી શકી. તેની જીદ્દ હવે આ બે પરિવારને એક કરવામાં શુળ રૂપ સાબીત થઈ રહી છે..!!

“અને જો હું હા પાડું તો, તમારા ભાઇ મારી સાથે લગ્ન કરી લેશે..?” પાંચ મીનીટની શાંતી બાદ અંજુંએ ધીમેથી બોલી.

“એ વાત સાચી કે અમારે તારા લગ્નની ઉતાવળ છે, પણ એનો અર્થ એવો પણ નથી તને અમે આમ સાવ આંધળો નિર્ણય લેવા દઈશું..!!” ઘણા સમયથી ચુપ બેઠેલા રમણલાલ અંતે બોલ્યા.

“તો તમે લોકો શું ઇચ્છો છો..?” અંજુંએ કંટાળીને જોરથી બોલી.

“કે તું દિલથી લગ્ન કરવા તૈયાર થા..!! આ કોઇ પાંચ મિનિટનો ખેલ નથી, આખી જીંદગીનો સવાલ છે અને તારા ઉતાવળીયા નિર્ણયને કારણે હેંમતને પણ તકલીફ પડે અને ભવિષ્યમાં તારી બહેનને પણ..!!” મંજુંબા સમજાવતા બોલ્યા.

“ઠિક છે, પહેલા હું એમને મળી લઉ, પછી નક્કી કરીશ બસ..!!” અંજુ પરાણે સંમત થતા બોલી.

“હું તેમને મારી સાથે જ લાવ્યોછું..!! બહાર કારમાં બેઠા છે, એમને બોલાવી લંઉ..?” અનુજ ઉસ્તાહથી બોલી ગયો. અંજુ આશ્વર્યથી, તો મંજુબા ગુસ્સાભરી નજરે અનુજ તરફ જોવા લાગ્યા.

દસ મિનિટ બાદ હેંમત અને અંજુ એક ઓરડામાં બેઠા હતાં. અંજુએ ભુખરો અને બરછટ શર્ટ પર બ્લુ જીંસ પહેર્યુ હતું. વાળની નાની એવી પોની લીધેલી હતી. મોઢા પર કોઇ જ પ્રકારનું મેકઅપ નહોતું..!! જ્યારે હેંમત કુમારની દાઢી વધેલી હતી, કપડા સિલેક્શન કરવામાં કાચા હતાં, તે તેમના પહેરવેશ પરથી દેખાઇ આવતું હતું. બંન્નેના મનમાં વિચિત્ર લાગણી હતી, પણ બંન્નેમાં એક વાત કોમન હતી કે તેમને દુનીયાની કોઇ જ પડી ન હતી, બસ બંન્ને પોતાની મસ્તીથી જીવવા માંગતા હતાં.

અંજુ હેંમતને જોતા જ ઘણું બધું સમજી ચુકી હતી. પણ અંજુના મનમાં ઘમાસાણ ચાલી રહ્યું હતું કે આટલો જલ્દી તે કેવી રિતે નિર્ણય લઈ શકે..? તે કેવી રિતે કોઇની ગુલામીમાં આખી જીંદગી કાઢી શકે..? પત્ની બંની તે કોઇનો પડછાયો કેવી રિતે બની શકશે..??

“તમારે મારી સાથે શું કામ લગ્ન કરવા છે..??” અંતે અંજુંએ વાત કરવાની શરૂઆત કરી. હેંમત આવા જ કોઇ સવાલની રાહ જોઇ રહ્યો હતો, જવાબ આપવા તે ટટ્ટાર થતો હોય તેમ બેઠો.

“હું હમેંશા એમ માનતો આવ્યો છું, કે લગ્ન માણસને પુર્ણ બનાવવા માટે થતા હોય છે, નહિ કે તેના ખભા પર જવાબદારીઓ વધારવા..!! મને એ છોકરીઓ જરા પણ નથી પસંદ જે પોતાનું અસ્તિત્વ જ ના સમજતી હોય, બસ પહેલા પીતા દોરે તેમ અને પછી પતિ દોરે તેમ જીવી જતી હોય..!! પણ મારે એવી છોકરી જોઇએ છે જે આઝાદ મનની હોય, પોતાના માટે પણ જીવતી હોય..! તમારા જેવી..!!” હેંમતે અંજુની તરફ જોઇ લેતા બોલ્યો.

“આવી છોકરી પામી, તમારો અહમ નહી ઘવાય..? તમે થાકીને આવશો ત્યારે હું તમને પાણી ભરીને નહી આપું, પતિવ્રતા પત્નિના જેમ તમે જમો પછી જ હું જમીશ એવી કોઇ ટેક નહી રાખું..! સાડી નહી પહેરુ..! અને લગ્ન પછી પણ મારા પુરુષમિત્રો તો હશે જ..!!” અંજુના અવાજમાં એક રણકો હતો.

“તમે તમારું તો ધ્યાન રાખશો ને..?” હેંમતે અંજુની વાતનો જવાબ આપ્યા વગર સામે સવાલ કર્યો.

“હા.. એ તો હું રાખીશ જ…. પણ મને એ નથી સમજાતું,  કે જો આવી નાની નાની વસ્તુંઓમાં તમને રસ ના હોય તો લગ્ન જ કેમ કરો છો..?” અંજુને સામે બેઠેલો વ્યક્તિ નહોતો સમજાઇ રહ્યો.

“મારે કામવાળીની નહી, પણ એક મિત્રની જરૂર છે..!! જે મારી જવાબદારી નહી પણ મિલકત હોય..!” હેંમત આટલું કહીને ઉભો થયો.

“તમારે મને બીજું કશું જ પુછવું છે..?” હેંમતે છેલ્લો સવાલ કર્યો પણ અંજુ કશું જ ના બોલી.

“હું યુએસએ માં જ રહું છું, બસ ચાર મહીનાની રજા ગાળવા આવ્યો હતો. આજે બુધવાર છે અને રવિવારે એ ચાર મહિના પુરા થાય છે, પછી હું બે વર્ષ પાછો નહી આવી શકું, તો હું ઇચ્છું કે તમે મને આજે રાત્રે 9 વાગ્યા પહેલા જવાબ આપો તો આગળની વીધીની ખબર પડે..!!” હેંમત અલ્ટીમેટમ આપતો હોય તેમ બોલ્યો અને નીકળી ગયો.

ત્યાર બાદ કોઇ અંજુને મળવા નહોતું આવ્યુ. પહેલીવાર અંજુને એમ લાગ્યુકે ભગવાને તેના માટે પણ કોઇ પુરુષ બનાવ્યો છે, તે સાંજ સુધી વિચારતી રહી પણ તેને ના પાડવાનું કોઇ જ કારણ ના મળ્યું.

“પપ્પાને સાચે જ યુએસએ જવાનું હતું..?” મિતાક્ષીએ તેના મમ્મી-પપ્પાની સ્ટોરી જાણી કોઇ નવો જ ઉમંગ આવી ગયો હતો.

“હા..!! પુરી વાતમાં ખાલી તારા માસીનું એક્સીડેંટ અને અનુજજીજુના પુરા પરિવારનું યુએસેએ શિફ્ટ થવાની વાત જ ખોટી હતી, બાકી બધું જ સાચુ..!!” અનુરાધાએ હસતા ચહેરે બોલી.

“તો શું ત્રણ દિવસમાં લગ્ન થઈ ગયા..?” મિતાક્ષીએ ફરી પ્રશ્ન પુછ્યો.

“હા..!! બહું નજીકના મહેમાનો ને બોલાવ્યા હતાં, શનિવારે સવારે 9 વાગ્યે અમે બધા કોર્ટે ભેગા થયા અને બધા મળીને માંડ 10 જણા હોઇશું..!! અને 9:25 તો બધું આટોપાઇ ગયું પણ વરમાળા પહેરાવતી વખતે તારા પપ્પાએ તારી મમ્મીને પુછતા હતા કે હજી મનમાં કોઇ સંશય હોય તો પાછા વળી જઈએ પણ તારા મમ્મીએ ખાલી એટલું બોલી કે તે ખુશ છે..!!” મંજુબાએ હસતા બોલ્યાં.

“ઉમામાસીના નાટકની ખબર પડી હશે એટલે મમ્મી દુખી થઈ હશે ને..? એટલે સાવ મમ્મી બદલાઇ ગયા છે ને.??” મિતાક્ષીને પોતાની સાડીવાળી મમ્મીની કલ્પના આવતા તરત પુછ્યું.

“ના હવે, એ તો અમે એ જ દિવસે બધો ફોડ પાડી દિધો હતો. આ તો હેંમત કુમારના મમ્મી-પપ્પાને ગમતું એટલે તારી મમ્મીએ સાડી સ્વિકારી લીધી અને અમુક બદલાવો તેણે સ્વેચ્છાએ સ્વિકાર્યા હતાં, તેણે લગ્ન બાદ કદી કોમ્પ્રોમાઇઝ  નથી કર્યુ, અંજુનો અને હેમંતકુમારનો પ્રેમ આપણા આખા સમાજમાં વખણાય છે, આ તો તારા કારણે હમણા બંન્ને વચ્ચે તકરાર વધી ગઈ છે..!!” મંજુબાએ વ્યથા ઠાલવતા કહ્યું. “અંજુને તારા કારણે પોતાના લગ્ન કરવા પર અફસોસ થાય છે, અને મારા પર ગીન્નાઇ છે..!!”

“બસ હવે મને ઇમોશનલ બ્લેકમેઇલ કરવાની જરૂર નથી, કાલે હું પેલા છોકરાને એક વખત મળી લઈશ..!! તેને પણ જો કામવાળીના બદલે એક મિત્રની જરૂર હશે તો હું હાં પાડી દઈશ બસ..!!” કહેતા મિતાક્ષી મંજુબાને ગળે વળગી પડી.

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.