ભુલથી થયેલા લગ્ન…!!

“લગ્નનો લાડવો જે ખાય તે પણ પસ્તાય અને જે ના ખાય તે પણ પસ્તાય..!” આ કહેવત કેટલા ટકા સાચી છે તેના પર આજે મારે ચર્ચા કરવી છે. લગ્નની સિઝન ચાલું થવામાં છે અને જેમના લગ્ન નજીકની તારીખોમાં થવાના છે, તેમને આ કહેવતનો અર્થ સમજવો વધારે જરૂરી છે..!

 

લગ્ન ઘણી જાતના હોય છે, લવ મેરેજ, એરેંજ મેરેજ, પરાણે થયેલા લગ્ન (ફોર્સ્ડ મેરેજ), ભુલથી થયેલા લગ્ન (એક્સિડેન્ટલ મેરેજ..) પરફેક્ટ મેરેજ પણ આ બધા લગ્નના ના પ્રકારોને એક બ્લોગ્માં સમજાવવા શક્ય નથી એટલે દર અઠવાડીયે એક એક પ્રકાર સમજવાનો પ્રયત્ન કરશું..! શરૂઆત કરીએ ભુલથી થયેલા લગ્ન..!

 

બહું ઓછા  લોકોએ મારી સામે એવો એકરાર કર્યો હશે કે હું લગ્ન બાદ ખુબજ ખુશ છું. પણ આનો અર્થ એ નથી કે લગ્ન બાદ કોઇ સુખી નથી હોતું પણ એવું દર્શાવતા પણ ઘણા લોકો અચકાય છે એ હકિકત છે…!! હવે આ ઉલટી વાત થઈ કે તમને ગમે પણ છે અને કહેવું પણ નથી. એવી જ પરીસ્થીતી કુંવારાઓની છે કે તેમને લગ્ન કરવાનો શોખ તો ઘણો છે પણ તે એમ કહેશે કે પપ્પાની ઇચ્છા છે એટલે સેટલ થઈ જવું છે અથવા મમ્મીથી હવે કામ નથી થતું અને છોકરીઓનું એવરગ્રીન બહાનું ઘરવાળાઓ સામે હું શું બોલું. જેમના લગ્ન થવામાં વિલંબ થાય છે, તે કહેશે યાર, કોઇ પસંદ નથી પડી રહ્યું અથવા હજી સેટલ થવું છે પછી લગ્નનો વિચાર કરીશ પણ જો એ સમયે સામા પક્ષે હા પાડી કે મુકો બધું બાજુમાં આપણે તો નીકળ્યા પરણવાં…!

 

લગ્નએ જીવનની જરૂરીયાત છે..! પણ જો એ બે પાત્રો એકબીજા માટે બનેલા હોય તો..! નહીતર એ કાળાપાણીની સજા કરતા ઓછું નથી..!!

 

લગ્ન નામના ગાડાના બેં મહત્વના પૈડા હોય છે એક ધીરજ અને બીજી સમજણ..! પણ ઉતાવળીયા લગ્નમાં મોટાભાગે આ બંન્ને પૈડામાં પચંર જ હોય છે..!! પણ આ ઉતાવળના કારણો પહેલા સમજવા પડશે..! મારું ગણીત કહે છે કે 40% લગ્નો ઉતાવળીયા અથવા અસ્પષ્ટ નિર્ણયના કારણે કરાયેલા હોય છે, જે નિર્ણયની સજા આખી જીંદગી ભોગવવી પડતી હોય છે..!

 

 

હવે એ સમજી કે લગ્ન જીવન માટે કેટલા જરૂરી છે અથવા તે કોઇ બોજા સમાન છે કે નહી. સામાન્ય બુદ્ધીના માણસને હમેંશા કોઇક જોઇએ જ કે જેની સાથે તે ગમે ત્યારે વાત કરી શકે. પોતાના દુખ વહેચી શકે અને સુખમાં ભાગીદાર બનાવી શકે..! હવે જ્યા સુધી આપણે નાના હતાં ત્યાં સુધી મા-બાપ અને પછી મીત્રો આપણી આ જરૂરીયાત પુરી કરતા હતાં, પણ સાચી મુશ્કેલીઓની શરૂઆત અભ્યાસ પત્યા પછી જ થાય છે, મિત્રો જોબમાં વ્યસ્ત હોય એટલે એમની સાથે ટાઇમ અને મુલાકાતો ઓછી થવા લાગે..! ઉપરથી નવી ઓફિસ અને બોસની ખટપટ..! સેલેરીથી અસંતોષ..! આ બધા કારણો આપણે સંપુર્ણપણે હતોત્સાહ કરી નાખેં અથવા આનાથી સાવ ઉલટું થાય, નવી જોબમાં ખુબજ ખુશ હોઇએ, સારી સેલેરી હોય, અને બધું પોઝીટીવ પોઝીટીવ થવા લાગે અથવા ત્રીજું કે સાવ બોરીંગ લાઇફ લાગવા લાગે, સવારે ઉઠો અને ઓફિસ જાવ, સાંજે આવીને સુઈ જાવ, રવિવાર એજ મિત્રો સાથે બેઠક અને એજ એકની એક સ્ટોરી..!!

 

 

બરાબર આવી જ પરિસ્થીતી છોકરીઓના જીવનમાં પણ હોય, બહેનપણીના લગ્ન થઈ ગયા હોય, એટલે એમને ટાઇમના હોય, જો મમ્મી-પપ્પા જોબની ના પાડે તો ઘરે ને ઘરે રહી કંટાળી જવાય અથવા ભાઇ-ભાભીને મસ્તી કરતા જોઇ ઇર્ષા થાય અને પોતાનો પણ કોઇ સાથી હોય જેની સાથે તે મસ્તી કરી શકે તેવા અભરખા જાગે અથવા ભાભી સાથે રોજ માથાકુટથી કંટાળી સેટલ થવાની ઇચ્છા પણ થાય અને છેલ્લે ટીપીકલ મા-બાપ પોતાની મહાત્વાંકાક્ષી દિકરીને પરાણે પરણાવી દે..!!

 

પણ બધા કિસ્સામાં છોકરો કે છોકરીને એક એવી ઇચ્છા જરૂર હોય કે કોઇ આપણું પણ હોય જેની સાથે પોતે સુખ:દુખની પળો માણી શકે..! સમય વિતાવી શકે, જેને માત્ર પોતાના માટે જ ટાઇમ હોય..!! આવા જ ગુલાબી સપના બન્ને પક્ષ જોતા હોય છે..! અને પછી પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ, સગાઇથી લગ્ન સુધી તો બંન્ને પક્ષને લાગે કે તેમની જીંદગી જન્નત થવા થઈ રહી છે.અમુક દુર્ભાગી લોકોને લગ્નના બસ થોડા સમય પહેલા લાગે કે તે ભરાઇ ગયા છે. પણ મોટાભાગના કિસ્સમાં સાચી ખબર લગ્ન પછી જ પડે….!

 

આનું મુખ્ય કારણ એ હોય કે તમે સગાઇથી લગ્નસુધી એકબીજા સાથે ભવિષ્યના સપના જોયા હોય, એકબીજામાં ખોવાઇ જવાની વાતો કરી હોય પણ કદી એકબીજાના સાચા સ્વભાવને સમજવાની કોશીશ જ ના કરી હોય..! ઘણી વખત તો આપણે આપણા સ્વભાવ માટે જુઠ્ઠુ બોલ્યા હોય, જેથી સામેના પક્ષને આપણાથી વધારે આશા બંધાઇ ગઈ હોય…!! એ યુગલો જે વાસ્તવીકતા દુર એકબીજામાં મસ્ત થઈને ફરતા હોય તે લગ્ન પછી તરત જમીન પર આવી જાય, આમ તો પટકાઇ જાય એમ કહું તોં ખોટું નથી કારણ કે ત્યારે વાસ્તવીકતા તેમની સામે હોય છે..!

 

જેમકે, છોકરો કંજુસ હોય અને સગાઇ સુધી તેની થનારી ઘરવાળીને ખુશ રાખવા મન મારીને પણ પૈસા ઉડાવતો હોય, પણ લગ્ન પછી રોજ-રોજના ખર્ચાથી તે કંટાળે..! અને પછી બંન્નેને જ્યારે હકિકતનો સામનો કરવાનો સમય આવે ત્યારે બંન્ને એકબીજા પર ચડી બેસે..! બીજા કિસ્સામાં છોકરો મારા જેમ ખુબજ આળસું હોય પણ સગાઇ વખતે તેની પ્રીયતમને ખુશ રાખવા તે ખુબજ દોડાદોડી કરતો હોય પણ લગ્ન બાદ આળસું માણસ પોતાનું પોત પ્રકાશે જ અને પાછો બોરીંગ બની જાય..! પણ હવે મેડમ આ કુંભકરણ સાથે ભરાઇ ગયા હોય એટલે માથુંકુટવા સિવાય બીજું શું કરે..?

 

ત્રીજા કિસ્સામાં છોકરીએ બહું ઉંચા ઉંચા સંસ્કારોની વાત કરી હોય કે તે લગ્ન પછી તેની સાસુ-સસરાની ખુબજ સેવા કરશે, તેની નણંદને લાડ લડાવશે વગેરે વગેરે પણ લગ્ન બાદ જ્યારે હકિકત સામે આવે ત્યારે મેડમ કંઇક અલગ જ મુડમાં હોય..! અને ભાઇને લાગે કે પોતે “કસોટી જીંદગી કી”ની કોમોલીકાને શોધી લાગ્યો છે, પણ હવે શું થાય..? આવા કિસ્સા ગણાવા બેંસું તો આખું પુસ્તક ભરાઇ જાય પણ આપણે વાત આગળ વધારીએ..!

 

 

ઉપરની પરિસ્થીતીએ લોકો માટે હતી જે લગ્ન પહેલા જે પોતે નથી એવો દેખાવાનો ડોળ કરી સામા પક્ષને છેતરે અને લગ્ન બાદ પોતાની આ અપ્રમાણીકતાનો ડોળ બંન્ને પક્ષને ભારે પડે છે પણ ઘણી વખત એવું પણ બને કે બંન્ને પક્ષ પ્રામાણીક હોય લગ્ન બાદ જે તેમના જીવનમાં પરિવર્તન આવવાના છે, તેમનાથી અજાણ હોય, ત્યારે શું પરિસ્થીતી થાય એ સમજીએ..!

 

પહેલા આપણે એ સમજવું પડશે કે આપણે આપણા સ્વભાવ સાથે અને સ્વભાવ સાથે મેચ થનારા લોકો વચ્ચે 20-25 વર્ષ કાઢ્યા હોય અને અચાનક કોઇ અલગ જ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશી જાય છે, જે તમને બધી રિતે સુધારવા માંગતી હોય, પછી ભલેને એ આપણી મરજી આવતી હોય…!! એ વ્યક્તી પોતાને સુધારવા માંગે છે, એ વાત પોતે પણ જાણતા હોય અને લગ્ન થાય ત્યાં સુધી તમને એ ગમતું પણ હોય..! જેમકે સમયસર ફોન આવી જાય કે જમી લીધું..? ભલેને પછી ભાઇ રોજ 4 વાગ્યે વડાપાઉ ખાઇને દિવસ કાઢતા હોય પણ એ ફોન આવતાની સાથે ભાઇ બપોરે 12 વાગ્યે આખી થાળી મંગાવે..! સિગારેટ, તંમ્બાકું, ગુટકા બધું જ છુટી જાય..! જુની ગર્લફેંડોના નંબર ડિલીટ થઈ જાય, રાત્રે વહેલા સુવાનું ચાલું થઈ જાય..! ભાષા સુધરી જાય…!!

 

આવું સામા પક્ષે પણ થવા લાગે..! અચાનક મોટા અને સમજદાર થઈ ગયા હોય તેમ ઘરમાં સલાહો-સુચનો આપવાના ચાલું, બંધું કામ જાતે કરવા લાગે જેથી બતાવી શકે કે પોતે કેટલી મહેનત કરે છે..! ખોટા ખર્ચા પર કાંપ લાગી જાય, કરકસરની વાતો થવા લાગે જેથી પોતે એ સાબીત કરી શકે કે પોતનામાં સફળ ગ્રુહીણી થવાના તમામ ગુણ છે..! આ બધા સુધારા બંન્ને પક્ષ લગ્ન સુધી માત્ર દેખાડા માટે નથી કરતા હોતા પણ દિલથી પ્રયત્ન કરે છે પણ લગ્ન બાદ બંધું તરત બદલાવા લાગે છે..!

 

એ “સુધારા” શબ્દ ની જગ્યા “બદલાવ” શબ્દ લઈ લેશે.! શું તું મને બદલીને પ્રેમ કરવા માંગે છે..? બંન્ને પક્ષે આ સવાલ ઉઠવા લાગશે, કારણ કે જે સુધારાની એ લોકો લગ્ન પહેલા વાત કરતા હતાં, તે તેમનો સ્વભાવ હતો અને સ્વભાવ માણસની સાથે જ જાય..!! તમે અમુક સમય સુધી કદાચ તેને દબાવી શકો પણ સાચી સમજણ વગર પોતાને બદલવાની કોશીશ કરવી એ અસંભવ છે, અને પછી સરખામણી ચાલું થાય કે કોનો પ્રેમ મહાન..! કોના માટે કોણે શું જાતું કર્યું..? કોના માટે કોણે પોતાને કેટલા બદલ્યા..! પણ બંન્ને એ વાત ભુલી જાય છે કે લગ્ન પહેલા બંન્ને એટલા જ ઉત્સાહી હતા કે એકબીજા માટે ગમે તે કરી શકતા હતાં, પણ હવે જે જોઇતું હતું તે મળી ગયું હતું અને તેનાથી ઘરાઇ પણ ગયા હતાં એટલે એ હવે તે વ્યક્તિ માતે પોતાને બદલવાની જરૂર પણ નથી રહી..! સાચો સ્વભાવ સામે આવે કે તરત ઝઘડાનો દોર ચાલું થઈ જાય..! રોજ નવા નવા બહાના શોધવામાં આવે..!

 

પણ મિત્રો લગ્નએ કોઇ સ્પર્ધા કે કાર્યક્ર્મમા લીધેલો ભાગ તો નથી કે થાકી જઈએ એટલે બહાર નીકળી જવાનું..! તમારા બંન્નેના કારણે બે પરિવારો જોડાયા છે અને તમારી નાદાનીયતના કારણે કેટલા લોકો દુભાય તેનો અંદાજો પણ તમને નથી હોતો..! વડિલો કહેતા હોય કે અનુભવ થાય એટલે સિખવા મળે પણ લગ્ન કરીને આવા અનુભવો ના કરાય મારા મિત્રો..!!

આ લોકોને તરત એ અનુભવ થશે કે “નવું નવું નવ દિવસ..!” આ એ જ લોકો માટે છે, જેમણે માત્ર ગુલાબી સપનાઓને સાકાર કરવા કોઇપણ ગંભીર વિચાર કર્યા વગર અથવા લગ્ન જીવનના અર્થને સમજ્યા વગર લગ્ન કરી લીધા હોય..!

 

મારી આ વાતની ચોખવટ કરવાનું એક જ કારણ છે કે બંધ આખે જોયેલા સપના સાચા હોતા નથી. લગ્ન બાદ જે હકિકતોનો સામનો કરવાનો હોય છે, તે અણધાર્યો અને અણગમતો હોય છે. જેમકે સ્ત્રીને પીયરમાં  મોડા સુધી સુવાની આદત હોય, અને લગ્ન બાદ એ આદત પહેલા છોડવાની થાય.! આ પરીવર્તન બધા પચાવી નથી શકતા..! ઘણા એ પણ સવાલ પણ  કરે છે કે લગ્ન પછી શા માટે છોકરીને જ એ કાયદામાં બંધાવું પડે..? કેમ પુરુષને કોઇ ફરક નથી પડતો..? આવા આઝાદ વિચારો અત્યારની આ સ્રીમાં ઉદભવવા સામાન્ય છે, પણ આ એક પરિવર્તન તે મન મારીને અથવા સ્વાભાવીક રિતે સ્વિકારી લે છે પણ જે આ ચેંજ નથી સ્વિકારી શકતી એ સ્ત્રીની માનસીકતાની વાત કરીએ..! તો પહેલું કે એ પોતાને સવાલ કરે છે કે હું જ કેમ..? અને તે પોતાના પતિ તરફ સહાયતા માટે જુએ પણ એ લાચાર હોય છે..! એ સમયે તેને લાગે કે તે સસુરાલમાં તે એકલી જ છે..! આવા સમયે જો માથાભારે નણંદ હોય તો વાત પતી ગઈ..! બંન્ને વચ્ચે ઝઘડા ચાલું..! સામાન્ય રિતે તેની સાસું તેની દિકરીનો જ સાથ આપે..! એટલે થાય વાતનું વતેસર..!

 

કદાચ તે આવી નાની નાની ફરીયાદો પોતાની બહેનપણીઓને કરે, અને અક્સ્માતે તેની બહેનપણી પણ જો આ જ પરિસ્થીતીમાંથી પસાર થતી હોય તો પતી ગયું..! પતી હજી આ ગુલાબી ઉંઘમાંથી જાગ્યો જ હોય કે તેને જાણવા મળે કે તેની બિચારી પત્ની પર તેના ઘરવાળા કેવા જુલમો કરી રહ્યા છે..! અને ભાઇની હાલત થાય સુડી વચ્ચે સોપારી જેવી..! ના એ પત્નિનો સાથ આપી શકે ના તેના મમ્મીનો..! તેના પતિનું આવું વલણ પત્નિને વધારે અકળાવે..! તેના મનના આ વમળો તેના જીવનમાં બીજા વમળો પેદા કરવાનું ચાલું કરે, દરેક વખતે તે પોતાના સાસરીયા પક્ષને શકની નજરથી જોવાનું ચાલું કરે, આ લોકો મને જ નીશાન બનાવે છે..! અને પછી તો તમે અંદાજો લગાવી શકો છો કે શું થઈ શકે છે..!

 

હવે વાત એ છે એક સામાન્ય જલ્દી ઉઠવાની વાત અથવા કામની વહેચણી જેવી સામાન્ય બાબત કોઇ પણ સ્ત્રીના મગજમાં આટલો ઉત્પાત કેમ મચાવે..? હવે તેના કારણો અને સમાધાનની વાત કરીએ તો, પહેલું કે ઘરની લાડકી દિકરીને આપણે લગ્ન પછી બદલાતી પરિસ્થીતી વિષે બરાબર રિતે આગાહ કરી નથી હોતી..! અને એ નાદાન છોકરી જ્યારે સ્ત્રી બને છે, ત્યારે આ પરિસ્થીતી સમજી નથી શકતી. સસુરાલમાં પણ આપણા સમાજમાં સાસુ-સસરાને હમેંશા વિલનની જેમ જ ચિતરવામાં આવ્યા છે, જેથી તે સ્ત્રી ડર અથવા સંકોસના કારણે તેની સાસુની સાથે, આ થઈ રહેલા ભેદભાવની વાત નથી કરી શકતી અને ગુંગળાયા રાખે છે. પછી પ્રશ્ન માત્ર વહેલા ઉઠવાનો નથી હોતો, એ તો માત્ર ચિંગારી જ છે જે આગ લગાડવાનું કામ કરે છે, સ્ત્રીના મનમાં બીજા સવાલો ઉભા કરે છે..! તેની જે કથીત આઝાદીમાં જે સાસુ-સસરા તરાપ મારે છે તે પણ તેને પસંદ નથી પડતું. તે પોતાને સોનાના પીંઝરામાં કેદ થયેલું પક્ષી જ સમજી બેસે છે..!

 

હવે સમજો કે કદાચ નવ-પરિણીત યુગલ એકલું જ રહેતું હોય તો પણ એક સમય પછી પત્નીને પતીની આગળ-પાછળ ફરવું બોરીંગ લાગવા લાગે છે અને તે પછી પતી પાસે વધારે સમયની માંગણી કરે છે..! પોતાનું મન બહેલાવવા તે બહાર ફરવા જવાનું ગોઠવવા મથે છે..! રસોઇથી છુટકારો મેળવવા રેસ્ટોરંટમાં જ રવિવાર પુરો કરે છે..! અને જો પતિ આનાકાની કરે તો વાત પુરી..! તમને તો મારા માટે સમય જ નથી..! હું અહી તમારી પાછળ ઘસાઇ જાવ છું, પણ કદર જ નથી..! કોણ છે એ જેની પાછળ તમે આટલો સમય કાઢો છો..? ઓફિસ બદલી નાખો..! આવી નોકરી શું કામ કરવી જોઇએ..? વગેરે.!

 

આ બધી તકલીફોનું એક જ કારણ છે કે “પરિવર્તન” એ સ્ત્રીને રાસ આવતું નથી. તેના જીવનમાં થઈ રહેલા ફેરફારો એ સમજી નથી શકતી..! તેના માતા-પીતાની જગ્યાએ બીજું જ કોઇ આવી ગયું હોય છે..! તેના ભાઇ- બહેનની જગ્યાએ બીજાના ભાઇ-બહેન હોય છે અને મોટાભાગની સ્ત્રીઓ કદી પુરા મનથી પતિના મા-બાપને પોતાના મા-બાપ અને પતિના ભાઇ-બહેનને પોતાના ભાઇ-બહેન સ્વિકારી નથી શકતી..! જેના કારણે તેનામાં સમર્પણની ભાવના જન્મતી જ નથી..!

 

હું એ સ્ત્રીઓને પુછવા ઇચ્છું છું કે શું તમારી માતા વહેલા ના ઉઠતી હોત તો શું તમે મોડા સુધી ઉંઘી શકત..? શું એ બધા કામ તમારી મદદ વગર ના પતાવી દેતી હોત તો શું તમે આરામ કરી શકત..? શું તમારો ભાઇ તમને ચીડવતો હોય ત્યારે પણ તમે એટલા જ ગુસ્સે થાવ છો, જેટલા તમે તમારા દિયર અથવા નણંદ પર થાવ છો.? તમારા પિતા તમને કોઇ વસ્તુની કડક થઈને ના પાડે તો તમે ચુપ થઈ જાવ તો સ્વસુર ના પાડે તો કેમ વધારે માઠું લાગે છે..?

 

મુદ્દો એ છે કે એ છોકરી બીચારી એ નથી સમજી શકતી કે હવે તેને તેની માતાનો રોલ પોતાને ભજવવાનો છે અને આ તેની નેટ પ્રેક્ટીસ છે, કારણ કે ભવિષ્યમાં તે જ આ પરીવારની સર્વસર્વા હશે..! તેને બોસ તો બનવું છે પણ એ માટે પોતાની જાત ધસાવી અઘરી લાગે છે..!

 

પણ આ વાત તેને શાંતીથી સમજાવવા વાળા બહું ઓછા મળે છે..! મેણા-ટોણા તેનો મગજ વધારે ખરાબ અને ખતરનાક કરે છે. આવી પરિસ્થીતીમાં સ્વાર્થી અને ચાલાક સ્ત્રી સૌથી ખતરનાક સ્વરૂપમાં બહાર આવે છે અને આખા પરીવારને તહેસ-નહેસ કરી પોતાનો બદલો લે છે, ભોળી સ્ત્રી માનસીક રિતે પડી ભાંગે છે, પણ સમજું  સ્ત્રી આમાથી રસ્તો કાઢી શકે છે, તે પરિવારને સાથે પણ રાખશે અને બધાની લાડકી બનીને પણ રહેશે..! આ માટે તેની પાસે એક જ હથીયાર હશે “ધીરજ..!” અને “સમજણ” તે જીવનના પ્રવાહોને જલ્દી સમજી જાય છે, તે પોતાને એક ગુલામ કે કામવાળી તરીકે નહી પણ આ જહાજની કપ્તાનની જેમ જોવા લાગે છે..!

 

આ લગ્ન માત્ર સ્ત્રી પર જ અસર નથી કરતા, પુરુષોની હાલાત તો આનાથી પણ વધારે ખરાબ કરે છે..! તેમના માટે પણ આ એક જ મુદ્દો હોય છે, આઝાદી..!! તેમને મોડા સુધી સુવા મળે છે, તેમની મરજી મુજબ બહાર જવા મળે છે, પણ તેમની આઝાદી પર કાંપ તો લાગે જ છે, જે વ્યક્તી રાત્રે મોડા સુધી મિત્રો સાથે બેઠતો હોય,  પણ હવે તેને ઘરે વહેલા જવું પડે છે, શરૂ શરૂમાં તેને આ પરિવર્તન ગમે છે પણ પછી કંટાળે છે..! તેના મિત્રો સાથે મુલાકાતો ઓછી થવા લાગે છે, તેની દિનચર્યા પર તેની પત્નિનો કબ્જો થવા લાગે છે..!

 

સગા-વહાલાથી દુર ભાગતા છોકરાને સંબંધીઓના ઘરે જમવા જવું પડે છે, છોકરા માટે પણ છોકરી પક્ષના નવા સગાને હજમ કરવા અઘરા હોય છે, તેને પણ તેના સસરાની મફતની સલાહ પર ચીડ ચડે છે, તેના સાસુના વધારે પડતા પ્રેમથી કંટાળો જન્મે છે.!! રૂપાળી અને દેખાવડી સાળી હોય તો ઠીક નહીતર સાળીની મસ્તિથી પણ ગુસ્સો આવે છે.!(માફ કરજો ભાઇઓ પણ આ જ હકિકત છે..!) બધાને પોતાનો સાળો તારક મહેતાના સુંદર જેવો જ લાગે છે..!

 

સરવાળે જે આઝાદી અને છુટછાટની તકલીફ સ્ત્રીને ભોગવવી પડે છે, એ જ પુરુષોને પણ ભોગવવી પડે છે..! અહીં પુરુષોને પોતાના પર કસાતી લગામ પસંદ નથી પડતી, જવાબદારીનો આવી પડેલો બોજો તે તેને અકળાઇ મુકે  છે..! હવે વિચાર કરો કે આ બંન્નેના કંટાળા ભેગા થાય એટલે તીખારા સિવાય બીજું શું થાય..?

 

નાના નાના ઝધડા બંન્ને વચ્ચે ચાલું, ઘણી વખત તો કટાક્ષ યુધ્ધ ચાલું થઈ જાય છે કે છોકરીના મમ્મી-પપ્પા તેના જીવનમાં દખલ દેવાનું ક્યારે બંધ કરશે..?, એ જ રાગ પત્ની પણ આલાપે કે તારા મમ્મી-પપ્પા મને શાંતીથી જીવવા નથી દેતા..! તું માવડીયો થઈ ગયો છે..! અને પછી અશાંતી જ અશાંતી..! જે બંન્ને લગ્ન પછી ખુબજ ખુશ હતાં, તે અચાનક દુખી થઈ જાય છે..! ઘણી વખત તો એક નાનકડી ટસલ વાતને તલાક સુધી લઇ જાય છે..!!

 

પણ શું આ અટકાવી ના શકાય..? શું ઉતાવળે લીધેલા આ નિર્ણયને સુઘારી ના શકાય..! શું એક જીવંત લગ્નજીવન એક દુર્લંભ સપના સમાન છે.!  જો તમે તમારી જાતને આ સવાલ કરી રહ્યા છો અને ઉપર પ્રમાણ કહી તેવી સમસ્યામાંથી તમે પસાર થઈ રહ્યા છો, તો હવે તમારી પાસે આ પરિસ્થીતીમાંથી બહાર નીકળવાનું એક જ હથીયાર છે, એ છે.. “ધીરજ” ..!!

 

જે વાત તમે અત્યારે નથી સમજી શકતા, એ તમને સમય જતાં કોઇના પણ સમજાવ્યા વગર એમ જ સમજાઇ જશે..! બસ એ સમયની રાહ જોવાની “ધીરજ” તમારામાં હોવી જોઇએ.! અને સમજવાનું એટલું જ છે કે તમે બંન્ને એ લગ્ન ફરતા ફેરા મજાક માટે નથી લીધા..!

 

લગ્ન થયા બે પરિવારના.! છોકરીએ છોકરાના મા-બાપને પણ એટલો જ પ્રેમ કરવો જોઇએ જેટલો તે પોતાના મા-બાપને કરે છે અને એ જ નીયમ છોકરાને પણ લાગું પડે છે..! બંન્ને એ સમજવું પડશે કે આઝાદી બંન્નેની છીનવાઇ છે..! બંન્ને એ સમજવું પડશે કે લગ્નના કારણે બંન્ને પર ઘણી જવાબદારીઓ એક સાથે આવી પડી છે. બંને એ સમજવું પડશે કે બંન્નેની પ્રાઇવસી પર તરાપ મરાઇ છે..! અને શંકાનું કોઇ સમાધાન નથી..! એટલે એકબીજા પર શંકા કરવા કરતા, એકબીજાનો સાથ આપવાનો પ્રયત્ન કરવો..! મારી સાથે જ આવું કેમ થાય છે..? હું તેની માટે આટલું કરૂં પણ તેને કદર જ નથી જેવા સવાલો તમારા સુખી જીવનનો અંત લાવવા પુરતા છે..!

 

જો તમને કોઇ પરીવારના સદસ્ય માટે કોઇ શંકા છે, તો ખોટી ભ્રમણાઓમાં ફસાવું અને તેના કારણે બીજા હજારો નબળા વિચારો મગજમાં પેદા કરવા એ કરતા એ જ વ્યક્તિ સાથે સ્પષ્ટતાથી વાત કરવી વધારે હિતાવહ રહેતી હોય છે, અને તેમા પતિએ પત્નિને કે પત્નિએ પતિને વચ્ચે લાવવા બહું આગ્રહ ના રાખવો..! પતિએ પોતાના પરિવાર તરફથી, પત્નિને અને પત્નિએ પોતાના પરિવાર તરફથી પતિને સપોર્ટ કરવો જરૂરી છે..! પરિવારની માનસીકતા બદલવી અઘરી અને ગુંચવડભરી છે પણ જો પતિ-પત્ની એકબીજા સાથે હોય તો આ તકલીફ કોઇ મોટી તકલીફ નથી..!

 

પણ અહીં પતિ-પત્નિ જ એકબીજા દુર હોય તો શું કરશું..? બે રસ્તા છે, એક જે છે એ સ્વિકારી લો અથવા ચોખવટથી વાત કરો અને જો આ વાત-ચીત દ્વીપક્ષીય હોય તો તેના જેવું બીજું કશું જ નહી પણ અહી તકલીફ એ રહેશે કે બંન્ને પોતાના અહંકાર અને એટીટ્યુડને બાજુએ મુકી આ ચર્ચામાં ઉતરવું પડશે..! અહીં તમે બંન્ને કાં તો તમે જેવા છો, એવા જ એકબીજાને સ્વિકારી લો અથવા એકબીજા માટે બેંન્ને થોડા બદલી જાવ..!! અને છેલ્લે તલાક તો છે જ, જે મને ગમતો વિકલ્પ નથી. પણ જો લગ્ન ભુલથી અથવા ઉતાવળમાં કરી પસ્તાયા હોય તો તલાક વખતે એ જ વસ્તું રિપીટ ના થાય તેનું ધ્યાન પણ  રાખવું જોઇએ.

 

જે લોકોને લગ્ન ભુલથી થઈ ગયા છે, તેમના માટે આ સિવાય બીજા કોઇ રસ્તા નથી..! મારી શુભકામનાઓ તેમની સાથે છે અને જેમને લગ્ન બાકી છે, તે એક વખત વિચારી લગ્ન કરે કે શું તે આ બધા પરિવર્તનો માંથી પસાર થઈ શકશે..?

Advertisements

One thought on “ભુલથી થયેલા લગ્ન…!!

  1. અમારા લગ્ન અલગ રીતે થયા હતા પરંતુ કોઇ જ સમસ્યા નથી આવી પરંતુ તમે જે અહીયાં લખવાની મહેનત કરી છે એ ઘણાં મિત્રો અને સંબંધીઓને બતાવવા કામ આવે એવી છે.

    આ બ્લૉગની લીંક કોપી કરીને રાખવી પડશે. 🙂

    Like

બગીચાનો માળી ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s